તારાઓ કેમ ખરે છે?
ઘણા લોકોને આ સવાલ થતો હોય છે કે આખરે આકાશમાંથી તારા કેવી રીતે ખરતાં હશે? એનું કારણ શું હોઇ શકે? તો મિત્રો તારા તો આપણાથી અબજો કિલોમીટર દૂર આવેલા છે. હકીકત જોવા જઇએ તો તારા તૂટતાં નથી. આપણે જેને ખરતાં તારા કહીએ છીએ તે તો અસલ તારાઓ કરતા નજીક અને મૂળ તો તે ઉલ્કાઓ જ હોય છે. વિશાળ સૂર્યમંડળમાં અસંખ્ય ઉલ્કાઓનો જમાવડો હોય છે. આ ઉલ્કાઓ સૂર્યની આસપાસ ઘૂમ્યા કરે છે. જો કોઇ ઉલ્કા પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થાય ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ ખેંચાય છે. આરીતે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે એ વખતે ઘર્ષણથી તપી જઇને પ્રકાશિત થાય છે. ખાસ કરીને એવું બને છે કે ધરતી ઉપર પહોચતાં પહેલાં જ તે બળીને રાખ થઇ જાય છે કે પછી મોટા વિસ્ફોટ સાથે ફાટી જાય છે. આ સળગી ઉલ્કા પૃથ્વી તરફ ખેચાય ત્યારે તીવ્ર પ્રકાશની એક રેખા બનાવે છે. આ કારણે જ આપણને લાગે છે કે જાણે તારો તૂટ્યો હોય. ...